કતલ કરવા માટે ગાય ક્યાંથી લાવ્યો હતો તે જાણવામાં પોલીસ નિષ્ફળ

મોચીબજારમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હતું અને તેમાં ગાયની કતલ કરવામાં આવતી હતી તેવો એફએસએલ રિપોર્ટમાં ભાંડાફોડ થવા છતાં એ-ડિવિઝન પોલીસ આરોપી ભાજપ કાર્યકર ફારૂક મુસાણી પાસેથી કોઇ હકીકત ઓકાવી શકી નહોતી. ફારૂક સહિત ત્રણ આરોપી રિમાન્ડ પર હતા છતાં કતલ માટે ગાય ક્યાંથી આવી તે ફારૂકે પોલીસને જણાવ્યું નહોતું અને અંતે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય જેલહવાલે થઇ ગયા હતા.

મોચી બજારમાં તા.30 ડિસેમ્બરે પોલીસે દરોડો પાડ્યો ત્યારે માંસનો જથ્થો મળી આવ્યો હતો અને તેમાંથી લેવાયેલા સેમ્પલનો એફએસએલ રિપોર્ટ આવ્યો તેમાં ગૌમાંસ હોવાનું સ્પષ્ટ થયું હતું. એ-ડિવિઝન પોલીસે અંતે ફારૂક ઇબ્રાહીમ મુસાણી, અને તેના બે સાગરીત જંગલેશ્વરના મનાના હારૂન લીંગડિયા અને આબીદ ઉર્ફે ઇમરાન યુનુસ મુસાણી સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી ત્રણેયને એક દિવસના રિમાન્ડ પરલીધા હતા.

ફારૂક મુસાણી ગેરકાયદે કતલખાનું ચલાવતો હતો અને તેમાં ગાયની કતલ થતી હતી છતાં પોલીસ સમક્ષ ફારૂકે પોતાના કતલખાનામાં પાડાની કતલ થતી હોવાનું રટણ રટ્યે રાખ્યું હતું અને પોલીસે પણ તેની વાત માની લીધી હતી. ગાય ક્યાંથી આવી હતી તે બાબત હંમેશા માટે રહસ્ય બની ગઇ હતી. આ ઉપરાંત અન્ય ગુનેગારોને ઘટનાસ્થળે લઇ જઇને સરઘસ કાઢતી પોલીસે ફારૂક સામે ગોઠણિયા ટેકવી દીધા હતા તેવું પણ ચિત્ર ઉપસ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *