બીમારીને કારણે ઘર છોડીને જાવ છું, તેવી ચિઠ્ઠી લખીને ભાગેલી સગીરાને તેના પ્રેમી સાથે પોલીસે ઝડપી લીધી

માધાપર ચોકડી નજીકના કોમ્પલેક્સમાં રહેતી સગીરા ગત તા.23ના પોતાના ઘરથી ગુમ થઇ ગઇ હતી, પરિવારજનોએ ઘરમાં તપાસ કરી તો એક ચિઠ્ઠી મળી આવી તે ચિઠ્ઠીમાં સગીરાએ લખ્યું હતું કે, ‘મને જવાનો શોખ નથી પરંતુ કમળાની બીમારીમાં જે ખર્ચ થાય છે તે ખર્ચો ન થાય માટે હું ઘર છોડીને જાવ છું, ક્યાં જઇશ તે ખબર નથી, પણ હું કંઇક બનીશ ત્યારે જ પાછી આવીશ, ભાઇની સ્કૂલ ફી એટલી છે, ઉપરથી મારી બીમારીનો ખર્ચ, એક ખર્ચ ઓછો કરવા હું જાવ છું, મારી ચિંતા કરતા નહીં, હું કોઇ છોકરા સાથે નથી જાતી, મને ગોતવામાં સમય બગાડતા નહી’.

આ ચિઠ્ઠી વાંચી માતા-પિતા ચિંતિત થઇ ગયા હતા અને સીધા જ આ ચિઠ્ઠી સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, સગીરા મોબાઇલનો ઉપયોગ કરતી નહીં હોવાથી પોલીસને લોકેશન મેળવવું પણ પડકારરૂપ હતું. પીઆઇ એસ.આર. મેઘાણી અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારિયાએ આ પડકાર ઉપાડી લીધો હતો.

હેડ કોન્સ્ટેબલ ભેટારિયાએ માધાપર ચોકડી પાસે ઉભા રહેતા રિક્ષા અને ખાનગી વાહન ચાલકોનું એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું અને તેમાં આ સગીરાની તસવીર મુકી હતી થોડી જ મિનિટોમાં એક પ્રૌઢ રિક્ષાચાલકે પોલીસમેન મશરીભાઇનો સંપર્ક કર્યો હતો અને તેણે કહ્યું હતું કે, આ સગીરા પોતાની રિક્ષામાં બેઠી હતી અને ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી હતી, ભાડું ચૂકવવા માટે તેણે એક ઇકો ચાલક પાસેથી પૈસા છૂટા કરાવ્યા હતા અને હાથમાં કડું પહેરેલા તે વ્યક્તિનો મોબાઇલ લઇ સગીરાએ કોઇને ફોન કર્યો હતો અને ફોન પર કોઇ અમન નામના વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી તેવું સંભળાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *