શહેરના કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક શનિવારે રાત્રે કારખાનેદાર યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને રવિવારે પોલીસે ઝડપી લીધો હતો. આરોપી અગાઉ પણ હત્યાની કોશિશ અને દારૂ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
શહેરના કોઠારિયા રોડ પરની ગીતાંજલિ સોસાયટીમાં રહેતો અને કોઠારિયા રોડ પર રામનગરમાં કારખાનું ધરાવતો હાર્મિસ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.27) અને તેનો મોટોભાઇ રાધિક ગજેરા (ઉ.વ.30) શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે નીલકંઠ સિનેમા પાસે ખોડિયાર ટી સ્ટોલ દુકાને બેઠા હતા ત્યારે નજીકમાં જ ફાઇનાન્સની ઓફિસ ધરાવતો દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી છરી લઇને ધસી આવ્યો હતો. દોલતસિંહને જોતા જ બંનેભાઇઅો ભાગ્યા હતા, પરંતુ દોલતસિંહે પણ પાછળ દોડીને હાર્મિસને ઝડપી લીધો હતો અને તેને છરીના બે ઘા ઝીંકીદીધા હતા.