અયોધ્યામાં રામમંદિર ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો અને રામભક્તો દર્શન કરવા માટે આતુર બન્યા છે. જો કે, આવા સમયે પણ ભક્તોની આસ્થા સાથે છેતરપિંડી કરવા સાયબર ગઠિયાઓ એક્ટિવ બની ગયા છે. લોકોને અજાણ્યા નંબરો પરથી ફોન તથા મેસેજીસ મોકલી રહ્યા છે. જેમાં તેમને રામલલ્લાના VIP દર્શન કરવા, પ્રસાદ મેળવવા તેમજ આ ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવે છે, જેવું કહેવામાં આવે છે. માટે ખાસ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને આ પ્રકારના ફોન- મેસેજીસ પર ધ્યાન ન આપવા અને લિંક ઓપન ન કરવા અપીલ કરવામાં આવી રહી છે..
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. જેને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અવસરનો લાભ સાયબર માફિયાઓએ પણ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. સાયબર માફિયાઓ ખાસ આ સમયે લોકોને પોતાનો શિકાર બનાવે છે અને લાખો રૂપિયાની લૂંટ ચલાવે છે.
રાજકોટ સાયબર ક્રાઈમ ACP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો સાયબર માફિયાઓનો શિકાર ન બને તે માટે ખાસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ રામ મંદિરમાં દરેક લોકો દર્શન કરવા આતુર હોય, તેવામાં આ તકનો લાભ ઉઠાવવા સાયબર માફિયાઓ રામલલ્લાના VIP દર્શન કરવા, પ્રસાદ મેળવવા તેમજ આ ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બનવા આમંત્રણ આપવા બહાને ફોન- મેસેજ કરી લિંક મોકલી છેતરપિંડી કરવામાં આવી શકે છે.