પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યાં છે. આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટમાં આવી રહ્યા છે. પહેલા તેમનો ભવ્ય રોડ-શો યોજાશે. ત્યાર બાદ સભાસ્થળ પર તમામ 5 ડોમની અંદર ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી પસાર થઈ સૌરાષ્ટ્રની જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારે કાર્યક્રમને લઈ વહીવટી તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિલ્હી, આગ્રાના કારીગરોએ 600×800 ફૂટનો વિરાટ ડોમ ઊભો કર્યો છે. જ્યારે કાર્યક્રમને લોકો નિહાળી શકે એ માટે 5 ડોમમાં 35 LED સ્ક્રીન લગાવવામાં આવી છે. એક લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
22 તારીખ બાદ આજે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. આજે જામનગર પહોંચી આવતીકાલે દ્વારકા અને સાંજે રાજકોટ આવી PM મોદી સૌરાષ્ટ્રને 48,000 કરોડથી વધુ કિંમતનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેઓ લગભગ એક લાખની જનમેદનીને રાજકોટના રેસકોર્સ મેદાનમાં સંબોધન કરવાના છે. હાલ કાર્યક્રમ સ્થળ પર બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેક્ટ૨ની દેખરેખ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસી સહિતની સુવિધાઓ સાથેનો જર્મન ટેક્નોલોજીનો ડોમ ઊભો ક૨વામાં આવ્યો છે. આ ડોમની સાઈઝ 600×800 ફૂટની નક્કી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓ સાથે તૈયા૨ થયેલો આ ડોમ બનાવવા માટે ખાસ કારીગરો દિલ્હી, આગ્રા અને ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં લાઈટ, પંખા, કૂલ૨ તેમજ બેસવા માટે સોફા તેમજ ખુરસીની બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સભાસ્થળ આસપાસ વધારાના મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા પણ ક૨વામાં આવશે. આ ઉપરાંત સભામંડપમાં કાર્યક્રમ નિહાળવા માટે 14×8ની 30, 20×40ની 4 અને 60×20ની 1 LED સ્ક્રીન સહિત કુલ 35 જેટલી LED સ્ક્રીન લગાવવામાં આવી છે.