આજે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને તેનો પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે આ મુલાકાતને પોતાના માટે એક સમ્માન અને સૌભાગ્ય પૂર્ણ ગણાવી.
તેણે એમ પણ કહ્યું કે- વડાપ્રધાને તેની પીઠ થપથપાવી હતી. આ તેને તેના ક્ષેત્રમાં સારું કામ કરવા અને દેશના વિકાસમાં યોગદાન આપતા રહેવાની પ્રેરણા આપે છે. આ મુલાકાત દરમિયાન રણદીપની માતા આશા હુડ્ડા અને બહેન ડૉ. અંજલિ હુડ્ડા પણ તેમની સાથે હતા.
તાજેતરમાં જ રણદીપ હુડ્ડાની સની દેઓલ સાથેની ‘જાટ’ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણદીપે વિલનની ભૂમિકા ભજવી હતી. 10 એપ્રિલે ફિલ્મ રિલીઝ થયા પછી, ખ્રિસ્તી સમુદાયે એક સીન સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ જલંધરમાં રણદીપ હુડ્ડા, સની દેઓલ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વિવાદ વધતાં, તે સીન ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીને મળ્યા બાદ એક્ટર રણદીપ હુડ્ડાએ લખ્યું – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવું મારા માટે ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત છે. તેમના વિચારો, જ્ઞાન અને ભવિષ્ય માટેનું વિઝન હંમેશા આપણા મહાન રાષ્ટ્રને પ્રેરણા આપે છે. જ્યારે તેમણે મારી પીઠ થપથપાવી, ત્યારે મને મારા ક્ષેત્રમાં વધુ સારું કામ કરવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવાની પ્રેરણા મળી.