રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10થી 12 જાન્યુઆર, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે, ત્યારે તેને લઈને તમામ વિભાગો પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયા છે. PGVCL સામે સૌથી મોટો પડકાર વીજ પુરવઠો ન ખોરવાય તે માટેનો છે. જે માટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી ચૂક્યા છે. આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.
કાર્યક્રમને લઈ રાજ્યના અધિક મુખ્ય સચિવની બેઠક PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ-2026 રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેના માટે સમગ્ર માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમની ટીમ સાથે અહીં આવ્યા હતા. જેમાં કાર્યક્રમ કઈ જગ્યાએ રહેશે? ઉદ્ઘાટન સમારોહ કઈ જગ્યાએ હશે? પાર્કિંગ ક્યાં થશે? કેટલા લોકો આવશે? એક્ઝિબિશન હોલ કઈ જગ્યાએ હશે? ડે બાય ડેની મૂવમેન્ટ અને ઉર્જા વિભાગને લગતા સેમીનાર થશે, જે અંગે મારવાડી યુનિવર્સિટીના પ્રોપરાઇટર અને ડીન સાથે બે કલાકથી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં GIDC, GSPL સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.