PM પોષણ યોજનાના 70 ટકા કેન્દ્રમાં 3 મહિનાથી દાળ અપાતી નથી

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળવાટિકાથી ધોરણ-8 સુધીના બાળકોને પીએમ પોષણ યોજના હેઠળ અલ્પાહાર, ભોજન, દૂધ સંજીવની હેઠળ આવરી લઈ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકોટ-જામનગરને બાદ કરતા અન્ય જિલ્લાના 70થી 80 ટકા બપોરા કેન્દ્રોમાં સરકારે દાળની ફાળવણી જ ન કરી હોવાથી પોષણ યોજનાના મેનુની હાંસી ઊડી રહી છે.

બાળકોને પોષણયુક્ત આહાર માટે દાળ અત્યંત આવશ્યક હોવા છતાં દાળના અભાવે દાળ ઢોકળી, ખીચડી સહિતની વાનગી બનતી ન હોવાથી બાળકોને પોષણના નામે દાળ વગર પુલાવ પીરસવામાં આવી રહ્યો છે. સાથે જ ગુરુવારે બાળકોને બપોરના સમયે આપવામાં આવતી સુખડી પણ બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પીએમ પોષણ યોજના હેઠળ હાલમાં રાજ્યમાં બાલવાટિકા તેમજ 32,230 શાળાના ધોરણ-8 સુધીના અંદાજે 38.50 લાખ જેટલા બાળકોને બપોરનું ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સવારનો નાસ્તો આપવામાં આવે છે. સાથે જ દર ગુરુવારે બાળકોને પોષણ માટે સુખડી આપવામાં આવતી હતી. જોકે વર્ષ 2024થી અમલી બનેલા પોષણ યોજનાના મેનુમાં અલ્પાહારમાં ફેરફાર કરી હવેથી બાળકોને મગ ચાટ, વેજિટેબલ પૌવા, મિક્સ કઠોળ ચાટ, મિલેટ સુખડી, વેજિટેબલ ઉપમા સહિતની વાનગી પીરસવામાં આવશે. જોકે, રાજ્ય સરકારે ગુરુવારની લાપસી બંધ કરી છે. ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાથી 70થી 80 ટકા કેન્દ્રમાં દાળ ફાળવવામાં આવી ન હોવાથી બાળકોને સૌથી વધુ પ્રોટીન જેમાંથી મળે છે તેવી દાળ સાથેની વાનગી જ બનતી ન હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *