દિવાળીના તહેવારને પગલે એકબાજુ રાજકોટ એસ.ટી. નિગમે યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું હતું જ્યારે બીજી બાજુ સોમવારે અમરેલીમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં એકસાથે 100થી વધુ એસ.ટી. બસ ફાળવી દેવામાં આવતા તહેવાર ટાણે જ મુસાફરો રઝળી પડ્યા હતા. યાત્રિકોને તહેવાર ઉપર જ પોતાના નિશ્ચિત સ્થળોએ જવા માટે એસ.ટી. બસ સેવાનો લાભ નહીં મળતા યાત્રિકોએ નાછૂટકે ખાનગી વાહનોના સહારે જવું પડ્યું હતું. તહેવારોમાં ખાનગી વાહનચાલકોએ પણ બેરોકટોક ભાડા વસૂલાતા મુસાફરોએ વધુ પૈસા ચૂકવીને મુસાફરી કરવી પડી હતી.
અમરેલીમાં સોમવારે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો. જેમાં જનમેદની એકઠી કરવા માટે અવર-જવર હેતુથી રાજકોટ એસ.ટી. વિભાગની 100થી વધુ બસ રોકી લેવામાં આવી હતી. જેના કારણે રાજકોટ એસ.ટી.ના ગ્રામ્ય અને ટૂંકા અંતરના અનેક રૂટો કેન્સલ કરવા પડ્યા હતા. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગત શુક્રવારથી દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન શરૂ કરી દેવાયું છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો યાત્રા અને હરવા-ફરવાના સ્થળોએ જતા હોય છે ત્યારે રાજકોટથી સુરત, અમદાવાદ, પંચમહાલ, જૂનાગઢ, ઉના, દ્વારકા, સોમનાથ રૂટ પર વધારાની બસ દોડાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ સોમવારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસ.ટી. બસ મોકલી દેવાતા અનેક યાત્રિકોને પોતાના રૂટની બસ મળી ન હતી અને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.