પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિન સોમવતી અમાસનાં રોજ વહેલી સવારથી રામનાથ મહાદેવ મંદિર સહિત અનેકવિધ શિવમંદિરોમાં માનવ મહેરામણ પિતૃ તર્પણ માટે ઉમટતા પીપળે પાણી રેડવા પ્રદક્ષિણા કરવા કતારો લાગી હતી. આજે વહેલી સવારે રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે રાજકોટ વાસીઓ પાણીની ગાગર, ત્રાંબાના લોટા અને પુજાપા સહિતની ચીજવસ્તુઓ સાથે પહોંચ્યા હતા. અને પોતપોતાનાં પિતૃઓના મોક્ષાર્થે પીપળાના થડે દીવો-અગરબત્તી કરી પાણી રેડી પિતૃદેવની આરાધના કરી સુખ-શાંતિ, સમૃદ્ધિ સાથે અમિ દ્રષ્ટિ રાખવા પ્રાર્થના કરી હતી. દર વર્ષની આ વર્ષે પણ પરંપરાગત રીતે પીપળાના થડે પિતૃ તર્પણ કરી ભાવિકોએ શ્રાવણ માસના અંતિમ દિને રામનાથ મહાદેવના પણ દર્શન, પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પિતૃઓનાં મોક્ષાર્થે બ્રાહ્મણોને ધન-ધાન્ય વસ્ત્રનું દાન કરી ગાયોને લીલો ચારો નાખી ભાવિકો ભાઈ-બહેનોએ અમાસના દિને પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું. રામનાથ મંદિરે છેલ્લા ત્રણ દિવસ બહેનો પીપળે પાણી રેડી ધુપ-દીપ આરતી પૂજન કર્યુ હતું. આજે અમાસના દિને રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે માનવ મહેરામણ પિતૃ તર્પણ માટે ઉમટયો હતો. સાથે પિતૃ નારાયણ દેવની આરાધના કરી હતી.