ગુજરાતમાં મહાવીરજયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. જૈનમ દ્વારા આયોજિત વિશાળ ધર્મયાત્રાનું આજે (10 એપ્રિલ) સવારે 8 વાગ્યે મણિયાર દેરાસરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધીરજમુનિની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. તો વડોદરામાં બેન્ડવાજા, ઢોલ-નગારાં તો સુરતની શોભાયાત્રામાં ડાંગી નૃત્ય જોવા મળ્યું હતું.
ભગવાન મહાવીર સ્વામીનો મુખ્ય રથ અને 27 ફ્લોટ્સ આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીનો મુખ્ય રથ અને 27 આકર્ષક ફ્લોટ્સ હતાં. જેમાં વિન્ટેજ સહિત 108થી વધુ સુશોભિત કાર, 252 સ્કૂટર અને બાઇક, 251થી વધુ પ્રસંગોને અનુરૂપ વેશભૂષા ધારણ કરેલાં બાળકો ઉપરાંત રાસ મંડળી, બેન્ડ, બગી, કળશધારી બહેનોએ આકર્ષણ જગાવ્યું હતું.
કોઠારિયા નાકા રોડ ઉપર વિરાણી પૌષધ શાળામાં બપોરે 12 વાગ્યે ધર્મયાત્રા સમાપન બાદ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે 1000થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ ગૌતમ પ્રસાદ ગ્રહણ કરશે.