રાજકોટનાં વોર્ડ નં.12ના વાવડીમાં ગૌતમ બુધ્ધનગર, જય ભારત સોસાયટી, ન્યુ જય ભારત તથા વિશ્વકર્મા સોસાયટીમાં રોડ આજુબાજુમાં અને સ્મશાનના જાહેર રોડ ઉપર ખુબ બાંધકામ વેસ્ટ નાંખવામાં આવે છે. જેને લઈ ચોમાસા દરમ્યાન પાણીના વહેણ બંધ થઇ જાય છે. આ અંગે વારંવાર મહાપાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ પણ આવા બાંધકામ વેસ્ટના ઢગલા જાહેર રોડ પર પડયા છે. તો આ અંગે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા કમિશ્ર્નરને રજુઆત કરવામાં આવી છે. આ અંગે કલેકટર, મેયરને પણ પત્ર પાઠવાયાનું બૌધ્ધિસત્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું.
અન્ય સમાચાર રાજકોટની કરમાળ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવા 29મી એપ્રિલે ડેમના દરવાજા ખોલવાના હોવાથી હેઠવાસમાં અવરજવર નહીં કરવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. સિંચાઈ પેટા વિભાગ, ગોંડલ કચેરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજ્ય સરકાર તરફથી મળેલી મંજૂરી મુજબ, નદીમાં પાણી છોડીને હેઠવાસના ડેમો ભરવાના હેતુથી 29મીએ કરમાળ સિંચાઈ યોજનાના ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવશે. જેના કારણે આ યોજનાના હેઠવાસમાં આવતા કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા, કરમાળ પીપળીયા, દેતવાડીયા, ગોંડલ તાલુકાના મોટા દડવા, કરમાળ કોટડા તથા જસદણ તાલુકાના ઈશ્વરીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચવવામાં આવે છે.