સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ભવનનો ફાર્મ ડી કોર્સ ફરી વિવાદમાં આવ્યો છે. આ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સના વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફીકેટમાં ‘ડોક્ટર ઓફ ફાર્મસી’ લખાઈને ન આવતા ABVPના કાર્યકર્તાઓએ 60થી વધુ વિદ્યાર્થીઓ સાથે મળીને આજે હલ્લાબોલ કર્યો હતો. આ સમયે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી હાજર ન હોવાથી યુનિવર્સિટી પરિસરમાં ‘VC મિસિંગ’ ના પોસ્ટર લગાવ્યા હતા. કુલસચિવ પણ શરૂઆતમાં હાજર ન હોવાથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, બાદમાં આવેલા કુલસચિવે આ પ્રશ્ન કુલપતિ કક્ષાનો હોવાથી આવતીકાલે રજૂઆત કરવાનું કહેતા, કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો યુનિવર્સિટીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, રાજકોટની આર.કે. યુનિવર્સિટી, વડોદરાની પારુલ ખાનગી યુનિવર્સિટી, તેમજ બેંગ્લોરની રાજીવ ગાંધી સરકારી યુનિવર્સિટીમાં ફાર્મ ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં ‘ડોક્ટર ઓફ ફાર્મસી’ લખવામાં આવે છે અને વિદ્યાર્થીના નામની આગળ ‘ડોક્ટર’ પ્રિફિક્સ પણ લખવામાં આવે છે. પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર ‘ફાર્મ ડી’ લખવામાં આવતું હોવાથી તેમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વિદ્યાર્થીઓના મતે, આ સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી મેળવવામાં તેમજ વિદેશ અભ્યાસ માટે જવામાં મુશ્કેલી પડે છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનની ફાર્મ ડીની વિદ્યાર્થિની મિત્તલ થડેસરે જણાવ્યું હતું કે, અન્ય યુનિવર્સિટીઓમાં ડોક્ટર પ્રિફિક્સ આપવામાં આવે છે, જ્યારે અહીં નથી. ડી ફાર્મ (ડિપ્લોમા ઇન ફાર્મસી) બે વર્ષનો કોર્સ છે, જ્યારે ફાર્મ ડી (ડોક્ટર ઓફ ફાર્મસી) છ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે, છતાં ડિગ્રીમાં સ્પષ્ટતા નથી.