Ph.Dના 22 વિષયમાં 105 સીટ ભરાશે,આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અંતે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી Ph.D ની પ્રવેશ પરીક્ષા લેવામાં ન આવતા NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 22 વિષયમાં 105 સીટ જાહેર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ 11 થી 22 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. NET-GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ ન હોય તેવા વિષયોમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે, પ્રવેશ પરીક્ષાની તારીખ હવે જાહેર થશે, પરંતુ યુનિવર્સિટી માટે 105 સીટની જ જાહેરાત કરી છે જેમાં માત્ર યુનિવર્સિટીના પ્રોફેસરોની જ ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. બીજીબાજુ જુના ગાઈડ અને કોલેજના પ્રોફેસરોની અવગણના કરવામાં આવતા વિરોધ જોવા મળ્યો છે. એક સમયે આશરે 300 સીટ પર પ્રવેશ પ્રક્રિયા થતી હતી તે હવે માત્ર 105 સીટ પણ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025 માટે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં ખાલી બેઠકોની સંખ્યા 96 અને ફાર્મસીની 9 સીટ દર્શાવી છે. માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો જ હવે પીએચ.ડી. માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકે. હાલમાં યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજના અધ્યાપકો, આચાર્યોને માર્ગદર્શક તરીકે સમાવિષ્ટ કર્યા નથી. છેલ્લા થોડા સમયથી અધ્યાપક સહાયકોને અથવા નવા અધ્યાપકોને અનુસ્નાતક શિક્ષક તરીકે માન્યતા આપવામાં આવતી નથી.

વધુમાં નવા અધ્યાપકોને પીએચ.ડી. માર્ગદર્શક પણ બનાવવામાં આવતા નથી. અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસ માટે, અનુસ્નાતક શિક્ષકની માન્યતા પણ આપવી જોઈએ અને પીએચ.ડી. માર્ગદર્શક પણ બનાવવા જોઈએ તેવું શિક્ષણવિદોનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *