પીજીવીસીએલ દ્વારા શહેરમાં ઠેર ઠેર નાખવામાં આવેલા સ્માર્ટ મીટરના રીડિંગ અને બિલિંગમાં અનેક ગોટાળા થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે, છતાં પીજીવીસીએલ જે ખાનગી કંપનીને સ્માર્ટ મીટર સંબંધિત કામનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેને છાવરી રહી છે. સોલાર ગ્રાહકોના સ્થળ પર જનરેશન મીટરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવતું નથી અને તેના રીડિંગ કંપનીને મળતા નથી. આથી, આવા જનરેશન મીટરના રીડિંગ મીટર રીડર પાસે સ્થળ પર જઈને મગાવવા પડે છે. આ મામલે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
કામદાર સંઘે એમ.ડી.ને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સ્માર્ટ મીટર લગાવવા તથા મીટર ચેન્જની એન્ટ્રી કરવાથી માંડીને નિયમિત પણે બિલિંગ માટે વિવિધ ડેટા પેટા વિભાગીય કચેરીને પૂરા પાડવાની જવાબદારી જે તે ટેન્ડર આધારિત કંપનીની છે, પરંતુ જવાબદાર કંપની દ્વારા સ્માર્ટ મીટરમાં કનેક્ટિંગ ડિવાઈસ કે ગેજેટ ન લગાવવાના કારણે આવા નોન કોમ્યુનિકેશનવાળા મીટરના બિલિંગ માટેના રીડિંગનો ડેટા નિયત સમયમાં મળતો નથી. આવા રીડિંગ લેવા માટે પેટા વિભાગીય કચેરીના સ્ટાફને દબાણ કરવામાં આવે છે.
ટેન્ડર આધારિત કંપનીના બિન અનુભવી માણસો દ્વારા મનસ્વી રીતે કોઈ ચોક્કસ વિસ્તાર/ગામ કે ડોર ટુ ડોર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા નથી જેના લીધે એક જ વિસ્તાર કે ગામમાં મીટર રીડરને સ્માર્ટ મીટરના બિલ આપવા તથા સાદા મીટરના ગ્રાહકોના બિલ બનાવવા અવારનવાર જવું પડે છે અને માનવ શ્રમનો વ્યય થાય છે અને મીટર રીડરને અનેક તકલીફો અને ગ્રાહકના રોષનો ભોગ બનવું પડે છે.