ભારત દેશમાં અવિરત વીજ પુરવઠો મળતો રહે અને આધુનિક સિસ્ટમથી કઈ રીતે લોકોને ફાયદો અપાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના પાવર સેક્ટરના 10 IAS અને IPS ને ઇન્ટરનેશનલ સ્ટડી માટે ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ મોકલવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના 62 લાખથી વધુ પ્રિમાઇસિસમાં વીજ પુરવઠો પૂરો પાડતા PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીની પસંદગી થતા તેઓ પણ ત્યાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. રાજકોટ પરત ફર્યા બાદ કહ્યં હતું કે, પેરિસમાં અદ્યતન અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગથી લોકોને અવિરત વીજ પુરવઠો મળતો રહે છે અને પાવર ટ્રિપીંગની સમસ્યા ઝીરો છે. આ સાથે જ યુરોપમાં વર્ષ 2015માં જ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ જતા હવે આ આધુનિક સિસ્ટમના ફાયદાઓ ત્યાંના લોકો લઈ રહ્યા છે.
PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા RDSS સ્કીમ અંતર્ગત દરેક રાજ્ય સરકાર પાસેથી પાવર સેક્ટરના એક – એક અધિકારીનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતુ. જેઓને ઇન્ટરનેશનલ સ્ટડી ઉપર મોકલવાનું રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા નિયત કરાયું હતુ. જેમાં ગુજરાત સરકાર તરફથી મારું નોમિનેશન થતા ભારત સરકારના 10 IAS અને IPS ને ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ પાવર સેક્ટરના અલગ અલગ વિભાગોના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા.
જેમાં પેરિસમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ આધુનિક અને અદ્યતન છે. 35 સ્ક્વેર કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એરિયામાં એક પણ ભાગ એવો ન હતો કે જેમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ થયેલુ ન હોય. પૂરું શહેર અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ સાથે સજ્જ હતુ. જેના બે ફાયદા થતા હતા કે ત્યાં ટ્રિપિંગ બંધ થઈ જતું હતુ અને અવિરત પાવર સપ્લાય મળી રહેતું હતુ.