ઈરાનની સંસદે હાલમાં જ અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય છે, તો તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક ઓઈલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે.
આ સમાચાર સામે આવ્યા બાદ, ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ બેરલ 80 ડોલર થઈ ગઈ છે. ભારત તેની ઓઈલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે. જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલની કિંમત વધુ રહેશે, તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. તે ફક્ત 33 કિલોમીટર પહોળો છે, પરંતુ વિશ્વના 20-25% ક્રૂડ ઓઇલ અને 25% કુદરતી ગેસ આ માર્ગ પરથી પસાર થાય છે.
સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત, કતાર જેવા દેશોના ઓઈલ ટેન્કરો આ માર્ગ દ્વારા વિશ્વભરમાં જાય છે. આ માર્ગ ભારત માટે ખાસ છે કારણ કે આપણા ઓઈલ આયાતનો 40% થી વધુ ભાગ આ માર્ગ દ્વારા આવે છે. જો આ બંધ કરવામાં આવે તો ઓઈલના સપ્લાયમાં વિક્ષેપ પડી શકે છે.