જસદણમાં બાઈક ચોરતા શખ્સને ઝડપી લોકોએ મેથીપાક ચખાડ્યો

જસદણમાં જાણે કે સ્થાનિક પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ છાશવારે ચોરી, મારામારી સહિતની ઘટનાઓ બની રહી છે. છતાં જસદણ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડીને કાયદાનું ભાન કરાવવાના બદલે તપાસના નામે ડીંડક કરતા હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે વધુ એક બાઈક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જેમાં જસદણની મેઈન બજારમાં અજાણ્યા બાઈક ચોરે એક દુકાનની સામે પાર્ક કરેલી બાઈકની ઉઠાંતરી કરી હતી. જે બાઈક ચોરીની ઘટના અંગે જાગૃત લોકોને જાણ થઈ જતાં તાત્કાલિક તે બાઈક ચોરને પકડી લઈ મેથીપાક ચખાડી સ્થાનિક પોલીસના હવાલે કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે આ બાઈક ચોરીની ઘટનામાં બાઈક માલિકને પોતાનું બાઈક પરત મળી જતા હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જસદણની મેઈન બજારમાં ડઝનેક પોલીસ કર્મીઓને લોકોની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે. છતાં શહેરમાં આવી ચોરીની ઘટના બને તો સ્વાભાવિક છે કે સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો તો ઉઠે જ. જસદણ પોલીસના ઉચ્ચ અધિકારીએ પોતાની ખુરશી અને ઓફિસ ત્યજી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાની કામગીરી કરવામાં આવે તેવું જસદણના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *