રાજકોટમાં મેળામાં આવતા લોકો રામભરોસે!

રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ તંત્ર દ્વારા મેળા તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક SOP બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પર્વ પર મેળાનું આયોજન થતું હોય છે અને તેમાં પણ રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 12 થી 15 લાખ લોકો આવી મેળાની મજા માણતા હોય છે. મેળામાં લોકો ચકડોળમાં બેસતા હોય છે. પરંતુ આ વખતે રાજકોટમાં મેળો ખુદ ચકડોળે ચડી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં લોકમેળાની સાથે સાથે અલગ અલગ 6 જગ્યાએ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમને મંજૂરી પોલીસ કમિશનર કચેરી ખાતેથી આપવામાં આવતી હોય છે. પરંતુ 21 ઓગસ્ટ સુધીના સમયમાં એક પણ ખાનગી મેળાને મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે અને એક આયોજકે તો મંજૂરી માટે એપ્લાય પણ હજુ સુધી કર્યું નથી. બીજી તરફ મનપામાં ડેપ્યુટી CFO અને CFO જેલમાં બંધ હોવાથી હવે ખાનગી તેમજ લોકમેળામાં ફાયર NOC કોણ આપશે તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઇ રહ્યો છે.

રાજકોટ શહેરમાં આ વખતે લોકમેળાની સાથે સાથે કુલ 6 જગ્યાએ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોક, નાના મવા ચોક, ગ્રીનલેન્ડ ચોક, વિરાણી હાઈસ્કૂલ મેદાન, બાલભવન, સરધાર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૈકી પોલીસ કમિશનર કચેરી ખાતે કુલ 4 આયોજકો દ્વારા 21.08.2024 સુધીમાં મંજૂરી માટે એપ્લાય કરવામાં આવ્યું છે. જ્યારે ફાયર વિભાગમાં 5 આયોજકો દ્વારા ફાયર NOC મેળવવા ઓનલાઇન અરજી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *