રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોમના સીસીટીવી ફૂટેજ લીક થયા હતા જેમાં સગર્ભા મહિલાઓની આબરૂનું ધોવાણ થાય તેવા દૃશ્યો કેદ કરાયા હતા. સમગ્ર મામલે સીસીટીવી હેક કરનારાઓની ધરપકડ કરાઈ છે પણ હોસ્પિટલના સંચાલકો હવે ફરિયાદથી બચવા માટે ગાંધીનગર પહોંચી મંત્રી સામે ખોળો પાથરી રહ્યા છે અને તે માટે કોર્પોરેટર તેમની મદદે આવ્યા છે.
પાયલ મેટરનિટી હોમમાં લેબર રૂમ તેમજ પ્રોસિજર રૂમમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હતા. આ કારણે મહિલાઓને ઈન્જેક્શન અપાય કે પછી બીજી પ્રોસિજર થાય તે સીધા સીસીટીવીમાં કેદ થતા હતા. આ વીડિયો લીક થતા સમગ્ર દેશમાં રાજકોટની આબરૂનું ધોવાણ થઈ ગયું હતું. સૌ પ્રથમ તો વીડિયો લીક થયા એટલે તેમાં ગુજરાતીમાં ભાષા બોલાતી હોવાથી આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં તપાસ કરતા આ સીસીટીવી રાજકોટની પાયલ મેટરનિટી હોમનું ખુલ્યું હતું.
સીસીટીવી રાખવા મુદ્દે સંચાલકો ડો. સંજય દેસાઈ અને તેમના પત્નીએ એવો લૂલો બચાવ કર્યો હતો કે, હોસ્પિટલમાંથી કિંમતી ઈન્જેક્શન અને દવાની ચોરી થઈ હતી એટલે બધે જ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. બીજી તરફ હોસ્પિટલના નિયમો કહે છે કે, દર્દીની પ્રાઇવસી જળવાય તે રીતે જ કેમેરા લગાવવાના હોય છે. આ કારણે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગાયનેક હોસ્પિટલ એવી ઝનાના હોસ્પિટલમાં પણ માત્ર પાર્કિંગ અને લોબી અને વેઈટિંગ એરિયામાં જ સીસીટીવી છે, ઓપીડીમાં પણ નથી અને અહીં સંચાલકોએ તો લેબર રૂમમાં કેમેરા લગાવી દીધા હતા.
સીઆરપીસી મુજબ આવા કૃત્ય બદલ હોસ્પિટલ સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ શકે તેમ છે પણ હજુ સુધી કાર્યવાહી કરાઈ નથી. આ ઘટના બાદ દરેક હોસ્પિટલમાં ચેકિંગ કરીને સીસીટીવી મુકાયા હોય અને તેમાં દર્દીની પ્રાઇવસીનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવા આદેશ છૂટ્યા હતા. આ પ્રકરણમાં સૌથી મોટી એન ગંભીર બેદરકારી પાયલ મેટરનિટી હોમના તબીબોની જ હતી જો સીસીટીવી ત્યાં ન હોત તો લીક જ ન થયા હોત. આવા ગેરકાયદે રીતે સીસીટીવી લગાવવા મુદ્દે કાર્યવાહીનો ગાળિયો ન કસાય તે માટે હવે સંચાલકો ગાંધીનગર પહોંચ્યા છે.