પવન કલ્યાણની રશિયન પત્નીએ મુંડન કરાવ્યું

ગયા અઠવાડિયે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો 8 વર્ષનો નાનો દીકરો માર્ક શંકર આગની ઘટનામાં ઘાયલ થયો હતો. તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરતો હતો આ સમયે શાળામાં આગ લાગતાં તે પણ લપેટમાં આવ્યો હતો. ગઈકાલે સાઉથ એક્ટર પવન કલ્યાણ તેના પુત્ર સાથે પરત ફર્યો હતો. પુત્રના સ્વસ્થ થયા પછી, એક્ટરની રશિયન પત્ની અન્ના લેઝનેવાએ તિરુમાલા મંદિરમાં મુંડન કરાવવાની વિધિ કરી હતી. તેણે પોતાના પુત્રના સ્વસ્થ થવા માટે આ માનતા લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પવન કલ્યાણની રશિયન પત્નીમાં ભારતીય સંસ્કારની ઝલક દેખાય પવન કલ્યાણની પત્નીએ આજે એટલે કે 14 એપ્રિલના રોજ શ્રી વેંકટેશ્વર મંદિરમાં વાળનું દાન કર્યું હતું. અન્નાએ તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેણે ભક્તિભાવથી પોતાના વાળનું દાન કર્યું. આ ધાર્મિક વિધિ તિરુમાલા મંદિરની અંદર એક ખાસ સ્થળ, પદ્માવતી કલ્યાણ કટ્ટામાં કરવામાં આવી હતી. અહીં લોકો ધાર્મિક માનતા અથવા સંકલ્પ પૂર્ણ થવા પર પોતાના વાળ અર્પણ કરે છે. વાળનું દાન કર્યાં પછી, એક્ટરની પત્નીએ મંદિરની પૂજા વિધિઓમાં પણ ભાગ લીધો હતો.

8 એપ્રિલના રોજ સિંગાપોરની એક શાળામાં આગ લાગી હતી. જેમાં 15 બાળકો સહિત 19 ઘાયલોને સ્થાનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની યાદીમાં એક્ટરનો આઠ વર્ષનો દીકરો માર્ક શંકર પણ હતો. તેના હાથ અને પગમાં ઈજા થઈ હતી અને ધુમાડાને કારણે તેનો શ્વાસ પણ રુંધાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર અને સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સ (SCDF) ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઘટના સમયે, પવન કલ્યાણ સ્થાનિક સમુદાયોને મળવા માટે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાની સત્તાવાર મુલાકાતે હતા. કામ પૂરું કર્યા પછી, તેઓ તેના દીકરા પાસે સિંગાપોર ગયા. ચિરંજીવી પણ તેમની સાથે હતા. પવન કલ્યાણે પાછળથી તેમના પુત્રના સ્વાસ્થ્ય વિશે એક નિવેદન આપ્યું હતું કે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. તેમણે માર્કના સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવનારા રાજકારણીઓ અને એક્ટર્સ તેમજ તેમના નામે મંદિરોમાં પૂજા કરનારાઓનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *