આમ આદમી પાર્ટીનો વીસાવદર ધારાસભ્યની ચૂંટણીમાં વિજય થયો છે. ગોપાલ ઇટાલીયા એ જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે. ગોપાલ ઇટાલીયા ધારાસભ્ય બાદ સુરતમાં આવતા તેનું કામરેજથી લઈને વરાછા અને વેડ રોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોપાલ ઇટાલીયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડેહાથ લીધા હતા. પાટીલને પડકાર ફેકતા ઈટાલિયાએ કહ્યું હતું કે, હવે એકપણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો.
ગોપાલ ઈટાલિયાએ પોતાના ભાષણમાં પાટીલ પર આક્ષેપ કરતા કહ્યું કે,સી.આર. પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે, કયા ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સી આર પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે, હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે. આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી હતી અને રાજનીતિને તળિયે બેસાડી દીધી. ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ. પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટી લડશે-બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે.