શનિવારે સ્મીમેરમાં સીટીસ્કેન અને MRI મશીનનું લોકાર્પણ થયું હતું. જો કે, રવિવારે રાત્રે એક દર્દીને સીટીસ્કેન મશીન ન હોવાનો ઉલ્લેખ કરીને સિવિલમાં મોકલી દેવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. ત્યારે મંત્રીએ બંધ મશીનનું લોકાર્પણ કર્યું કે લોકાર્પણ બાદ કરોડોનું મશીન બંધ પડી ગયું? કે ચાલુ હોવા છતાં તબીબે ઈરાદાપૂર્વક સિવિલમાં મોકલ્યો તે અંગે હાલ સવાલો ઊભા થયા છે.
આંજણા ફાર્મના એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતા અને રહેતા સલમાન શેખ (35) રવિવારે રાત્રે દાદર પરથી પગ લપસી જતાં પટકાયા હતા, તેમને બેભાન હાલતમાં સ્મીમેર ખસેડાયા હતા. 10:40 વાગ્યે સ્મીમેરમાં અજાણ્યા તરીકે સારવાર શરૂ કરાઈ હતી અને રાત્રે 12:40 વાગે સીટીસ્કેન ન હોવાના ઉલ્લેખ સાથે સિવિલમાં રીફર કરી દેવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મંગળવારે તેમની ઓળખ થતાં હવે પરિવારને મૃતદેહ સોંપાશે.
સીટીસ્કેન ચાલુ જ છે, યોગ્ય તપાસ કરી પગલાં ભરાશે સ્મીમેર સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જીતેન્દ્ર દર્શને કહ્યું કે મશીન ચાલુ જ છે. દર્દીને સ્ટેબલ થયા બાદ પણ સીટીસ્કેન થઈ શકતે. સિવિલમાં કેમ રિફર કર્યો તેની તપાસ કરી પગલાં ભરાશે. ડો. રાજેશ ચંદનાનીએ કહ્યું કે, હું ઓથોરાઈઝ્ડ નથી. RMOના કહેવાથી રિફર કરાયો હતો. મશીન બાબતે સ્પષ્ટતા કરી ન હતી.