26 મેના રોજ વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવતા હોય ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજકોટ ડિવિઝનની 280 સહિત કુલ જુદા જુદા ડિવિઝનોમાંથી 1300 એસ.ટી.ની બસ કચ્છમાં ફાળવી હોવાથી તા.25 અને 26 સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા છે જેના પગલે લાખો મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી હોવાનું ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા ડેપોમાં લાંબા અને ટૂંકા રૂટની અનેક બસ યાત્રિકોને નહીં મળતા તેમને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં રોજિંદી 8550થી વધુ બસ ચાલી રહી છે અને તેમાં નિયમિત 28 લાખથી વધુ યાત્રિકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં મેદની એકત્ર કરવા એસ.ટી. બસનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. તે વખોડવાપાત્ર છે. રાજ્ય સરકાર છેલ્લા પાંચ વર્ષમાં 50 હજારથી વધુ એસ.ટી.ની બસ ફાળવી દેતા યાત્રિકોની સુવિધા ઝૂંટવી લેવામાં આવી છે.