સામાન્ય રીતે એસટી બસ સસ્તું ભાડું અને સલામત સવારી માટે જાણીતી છે. પરંતુ અનેક વખત એસટી બસ બંધ થઈ જવાના બનાવો સામે આવે છે. તેવામાં રાજકોટમાં માધાપર ચોકડીએ એસટી બસને મુસાફરો ધક્કા મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. જેમાં એવું દેખાય રહ્યું છે કે, આ ચોકમાં જ એસટી બસ ખોટવાઇને બંધ થઈ જતા શરૂઆતમાં ડ્રાઇવરે બસ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાદમાં બસ ચાલુ ન થતા મુસાફરો બસમાંથી ઉતર્યા હતા અને કંડક્ટર સહિતનાએ એસટી બસને ધક્કો માર્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે સવારે એસટી બસ બંધ થઈ ગઈ હતી. ચોકમાં જ આ બસ બંધ થઈ જતા ડ્રાઇવરે તુરંત જ એસટી બસ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બસ ચાલુ ન થતા એક પછી એક 13 જેટલા મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા અને બસને ધક્કો મારવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરોને પણ ગંતવ્ય સ્થાને વહેલું પહોંચવું હોવાથી તુરંત જ બસને ધક્કો મારવા માટે તૈયાર થઈ ગયા હતા અને કંડક્ટરની સાથે મુસાફરોએ પણ એસટી બસને ધક્કો મારી ચાલુ કરાવવાનો પ્રયત્ન કરાયો હતો. જો કે, આ બસ બાદમાં ચાલુ થઈ કે કેમ એ તો રામ જાણે.