જૂન માસમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. મુસાફરોમાં ડરના કારણે હવાઈ મુસાફરી ઓછું થઈ ગઈ હતી. જોકે ઓગસ્ટ માસમાં જન્માષ્ટમી તહેવારો તથા લાંબી રજાઓના કારણે ફરી હવાઈ મુસાફરી તરફ રુચિ વધી હતી. જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પરથી કુલ આશરે 86 હજાર મુસાફરોનું આગમન-પ્રસ્થાન થયું હતું.
જ્યારે ઓગસ્ટ માસમાં કુલ આશરે 90 હજાર મુસાફરની અવરજવર થઈ હતી. એટલે કે જુલાઈની સરખામણીએ ઓગસ્ટ માસમાં 4 હજાર મુસાફરનો વધારો થયો હતો. આવનારા નવરાત્રિ અને દિવાળી તહેવારો દરમિયાન તમામ ફ્લાઈટમાં ભારે ટ્રાફિક જોવા મળશે. તહેવારોની માંગ પૂરી કરવા માટે એરલાઈન્સ કંપનીઓ તરફથી વધારાની ફ્લાઈટ ગોઠવાય તેવી શક્યતા પણ છે.
રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓગસ્ટ માસ દરમિયાન હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત જૂન માસમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના કારણે જુલાઈ માસમાં હવાઈ મુસાફરીમાં ઘટાડો થયો હતો. માત્ર ઓગસ્ટ માસમાં જ એરપોર્ટ પરથી કુલ અંદાજિત 255 ફ્લાઈટનું ઉડ્ડયન થયું હતું. દરરોજ સરેરાશ 2,900થી વધુ મુસાફરોની અવરજવર થઈ હતી. આ આંકડો દર્શાવે છે કે, હવાઈ મુસાફરી પ્રત્યે ફરીથી મુસાફરોનો વિશ્વાસ વધ્યો છે. એર ઈન્ડિયાની સવારની મુંબઈ ફ્લાઈટ શરૂ થતાં મુસાફરોને વધુ સુવિધા મળી છે. હવે મુંબઈ માટે કુલ પાંચ ફ્લાઈટ ઉપલબ્ધ છે. વ્યાપારી તથા સામાન્ય મુસાફરોને મુંબઈ આવવા-જવાનું વધુ સરળ બન્યું છે.