છેલ્લા કેટલાક સમયથી રાજકોટની શાળાઓમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પણ વાહન લઈને આવતા થયા છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં પણ વધારો થયો છે. તેમાં પણ અકસ્માતમાં સગીર વાહન ચલાવતા હોય તેવા કેટલાક કિસ્સા પણ રાજ્યમાં સામે આવ્યા છે. ત્યારે હવે રાજકોટ આરટીઓની ટીમ શહેરની જુદી જુદી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જે બાળકો ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજી પુરાવા વિના વાહન ચલાવીને શાળાએ આવતા હશે તો તેમના વાલીઓને પણ દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત શાળાઓને પણ તાકીદ કરવામાં આવશે કે સગીરને વાહન લઈને શાળાએ આવતા અટકાવવા જોઈએ.
એમવી એક્ટ મુજબ 125 સીસી કરતા વધુના વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી. છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે. જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મુકાય છે. માત્ર સ્કૂલની બહાર જ નહિ પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઈવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિંગમાં જે વાહનો હશે તેમાં બાળકોના વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય, પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યો હશે તે જાણ થાય તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.