રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને પુસ્તકો પોતાને ત્યાંથી અથવા ચોક્કસ દુકાનેથી જ ખરીદવા આગ્રહ રખાતો હોવાના કારણે વાલીઓ અને સ્ટેશનરની વેપારીઓની મુશ્કેલી વધી છે. સ્ટેશનરી એસોસિએશનના હોદેદારોનું માનીએ તો, વાલીઓને જે ડિસ્કાઉન્ટ મળવું જોઈએ તે સ્કૂલ દ્વારા અપાતું નથી અને સ્ટેશનરીના વેપારીના ધંધા પર પણ અસર થાય છે. ધ સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન – સૌરાષ્ટ્રના પ્રમુખ સહિતના પ્રતિનિધિઓ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં પહોંચ્યા હતા. સ્ટેશનરની એસોસિએશનના મતે એક વિદ્યાર્થી દિઠ વાલીએ અંદાજિત 600 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે.
‘RTE એક્ટ 2009 હેઠળ ખાનગી શાળા પુસ્તકોનું વેચાણ ન કરી શકે’ એસોસિએશનના હોદેદારે જણાવ્યું હતું કે, અમારા એસોસિએશન હેઠળ રાજકોટમાં 500 તો સૌરાષ્ટ્રમાં 5000 જેટલા વેપારીઓ છે. સૌપ્રથમ તો RTE એક્ટ 2009 મુજબ ખાનગી શાળાઓ કોઈપણ પ્રકારના પુસ્તકોનું વેચાણ કરી શકતી નથી કે ચોક્કસ દુકાનેથી પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરી શકતી નથી. હાલ રીટેઇલ અને હોલસેલ સ્ટેશનરીની દુકાનેથી મળતી સ્ટેશનરી કરતા ચોક્કસ દુકાનોએ 20 ટકા ઊંચા ભાવે વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કુલ બેગ અને યુનિફોર્મ પણ શાળા દ્વારા કહેવામાં આવે તે દુકાનેથી વિદ્યાર્થીઓને ખરીદવા પડે છે. જેનાથી સ્ટેશનરીના વેપારીઓને દર વર્ષે 40 ટકા જેટલું નુકસાન થાય છે. આ ઉપરાંત રાજકોટમાં 12 જેટલી શાળાઓનો શહેરના નાનામવા મેઈન રોડ ઉપર એજ્યુકેશન મોલ પણ સ્થિત છે. જ્યાં વિદ્યાર્થીઓને વાલીઓને ઊંચા ભાવે સ્ટેશનરી, સ્કુલ બેગ, યુનિફોર્મ, શૂઝનું વેચાણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે જેથી આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ બાબતે એસોસિએશન દ્વારા શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પોતાની લેખિત રજૂઆત પહોંચાડી છે.