શહેરમાં રૈયા રોડ પર જ્ઞાનજીવન સોસાયટીમાં માવતરના ઘેર રહતી પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં ગાંધીનગરના શિહોલી ગામે લગ્ન કર્યા હતા. લગ્નના 21 દિવસે પતિ ચોરીના ગુનામાં પકડાયો હોય. બાદમાં પતિ મારકૂટ કરતો અને જેઠ પણ મારા પતિ સાથે વાત કરવા દેતાં નહીં અને મારા પતિને રૂમમાં પણ આવવા દેતાં નહીં બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂકતા તેને ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયાંઓ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા વર્ષાબેન જીગ્નેશભાઇ પાબારીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓ પતિ જીગ્નેશ કિશોરભાઇ પાબારી, સાસુ ચંપાબેન, જેઠ નિશિથ, જેઠાણી બીના, નણંદ સોનલ સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન દોઢ વર્ષ પહેલાં જીગ્નેશ સાથે થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નના 21 દિવસે પતિ પોરબંદરમાં ચોરીના ગુનામાં પકડાયો હોવાનું તેમજ પતિ અવારનવાર મારકૂટ કરતો હોય અને સાસરિયાંઓ મેણાં મારી ત્રાસ આપતા હતા.
જ્યારે અન્ય એક ઘટનામાં શહેરમાં કેનાલ રોડ પર એક વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવકને તા.7ના રોજ તેના મોબાઇલમાં વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો. બાદમાં તેને વોટ્સએપમાં વાત કરવા માટે કહ્યું અને તેને કહ્યું કે, હું તમારો શુભચિંતક છું અને તમારા પત્ની બીજા સાથે રોજ રાત્રીના ફોનમાં વાત કરતા હોય છે. તેવા મેસેજ કર્યા હતા. તેમજ યુવકના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી પત્નીના ફોટા મોકલ્યા હતા અને તમારી ભત્રીજીને પણ ખબર છે. જેથી તેને તપાસ કરતા તે વાત ખોટી હોય તેમ છતાં અવારનવાર મેસેજ કરી હેરાન કરતો હોય યુવકે ફરિયાદ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.