રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા

NEET પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું, ‘ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. હવે NEET પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું. કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી અથવા એને રોકવા માગતા નથી.

NEET UG પરીક્ષા રદ કરવાની માગ સાથે દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. લખનઉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી છે. આ દરમિયાન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉચ્ચ શિક્ષણ સચિવ સંજય મૂર્તિ એનટીએના મહાનિર્દેશક ડૉ. સુબોધ કુમાર સિંહને મળ્યા હતા.

એ જ સમયે ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET UG કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ થઇ જશે.

આ પહેલાં 11 જૂને પણ સુપ્રીમ કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા રદ કરવાની માગ કરતી નવી અરજી પર પણ સુનાવણી થઈ હતી. આ અરજી 49 વિદ્યાર્થી અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *