જેતપુર શહેર તેમજ આસપાસના અમુક ગામડાઓ અને પંથકમાં મંગળવારે બપોરના 2. 15 મિનિટે જોરદાર ભેદી ધડાકો થતા લોકો તેમના ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. કેટલાક વિસ્તારોમાં તો ઘરના બારી દરવાજા ધ્રુજી ઉઠ્યા હતા. બપોરના સમયે થયેલા ધડાકાને કારણે લોકો જુદાજુદા વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો બહાર એકઠા થઇ ગયા હતા અને ભેદી ધડાકા વિશે એકબીજાની પૃચ્છા કરતા હતા, પરંતુ આ અંગે સચોટ જાણકારી કોઈ પાસે ન હતી. જેથી ઘરની બહાર નીકળી ગયેલા લોકો ઘરમાં પરત જતા પણ ડરતા હતા, ઘડીભર તો લોકોને 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભયાવહ ભૂકંપની યાદ તાજી થઇ ગઇ હતી. જો કે આ અંગે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી ભૂકંપની કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
આ અવાજ શેનો હતો એ અંગે મામલતદાર મહેશ પટોડીયાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે જે તેઓ રાજકોટ કલેકટર કચેરીમાં યોજાયેલી મીટિંગમાં હતા, આથી તેમણે આ અંગે તપાસ કરવા પાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું હતું તો બીજી તરફ આ અંગે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, જોરદાર ધડાકો થયો છે તે વાત ખરી છે પરંતુ તે ધરતીકંપ હતો કે કેમ એ અંગે અમોએ સિસ્મોલોજિકલ વિભાગમાં પૂછતાછ કરાવી છે. આ ભૂકંપ હોય તેવી અનુભૂતિ થઈ હતી.