ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં, પાકિસ્તાની ટીમને હોકી એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવતા અટકાવવામાં આવશે નહીં. રમતગમત મંત્રાલયના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય શ્રેણીની વિરુદ્ધ છીએ, પરંતુ અમે કોઈપણ ટીમને ટુર્નામેન્ટ માટે ભારત આવતા અટકાવીશું નહીં.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય રમતોમાં, ટીમ તણાવ છતાં ભાગ લે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ છતાં ટુર્નામેન્ટ રમી રહ્યા છે. હોકી એશિયા કપ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.”
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે એશિયા કપ મેચ અંગે અધિકારીએ કહ્યું, ‘BCCI એ હજુ સુધી આ અંગે સરકાર સાથે વાત કરી નથી. બોર્ડ તરફથી ચર્ચા થતાં જ અમે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે નિર્ણય લઈશું.’
પાકિસ્તાન હોકી બોર્ડે હજુ સુધી ટુર્નામેન્ટમાં ભાગ લેવો કે નહીં તે અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ તેણે ટુર્નામેન્ટથી પોતાને દૂર પણ રાખ્યા નથી, જેના કારણે એવું માનવામાં આવે છે કે ટીમ રમવા માટે ભારત આવશે.