ચીન હવે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં કામ કરતા તેના નાગરિકોની સુરક્ષા પોતાના હાથમાં લઈ રહ્યું છે. આ માટે ચીને પીપલ્સ આર્મીના જવાનોને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ચીનનું માનવું છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં તેના જવાનોને પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં ચીન ઈચ્છે છે કે કાં તો તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અથવા તો કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવે.
હાલમાં જ બંને દેશોના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં ચીનના સેનાને તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીનો વિરોધ કરતું આવ્યું છે. પરંતુ તાજેતરના સમયમાં ચીની કામદારો પર વધતા હુમલાઓને લીધે ઈસ્લામાબાદને હવે બેઈજિંગ સામે ઝૂકવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ચીને પાકિસ્તાનને કહ્યું છે કે જો તે સુરક્ષાની ગેરંટી ન આપી શકે તો રોકાણ માટે વિદેશીઓ તરફ હાથ લંબાવવાનું બંધ કરે. જ્યારે તેઓ સુરક્ષિત અનુભવશે ત્યારે તેઓ આવશે અને રોકાણ કરશે.
અગાઉ ચીને 2023 અને 2024માં તેની વિદેશ નીતિમાં પાકિસ્તાનને ‘સર્વોચ્ચ પ્રાથમિકતા’ લિસ્ટમાંથી હટાવીને ‘પ્રાથમિકતા’વાળી લિસ્ટમાં મૂક્યું હતું. જે દર્શાવે છે કે ઈસ્લામાબાદે હજુ સુધી પાકિસ્તાનની અંદર ચીની નાગરિકોની સ્થિરતા અને સુરક્ષાને લઈને બેઈજિંગની ચિંતાઓ પર ધ્યાન આપ્યું નથી. આતંકવાદનો સામનો કરવા માટે ચીન ગિલગિટ બાલ્ટિસ્તાનના પોલીસ દળને પણ તાલીમ આપવા જઈ રહ્યું છે. ચીન આ કામ તબક્કાવાર કરશે. પ્રથમ તબક્કામાં તે ગિલગિટ બાલ્ટિસ્તાનના પોલીસ દળને તાલીમ આપશે. ત્યારબાદ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાની કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઈએ)ને તાલીમ આપશે.