કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે, પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. ગુરુવારે(8 મે) વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતનાં શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, અવંતિપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યાં હતાં. કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી.
કચ્છ-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતાં કચ્છના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં અનિશ્ચિતકાળ માટે માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો સોમનાથ મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.