રોશની અને ઉજાસના મહાપર્વ એટલે દિવાળી અને આ પર્વને પણ રાજકોટવાસીઓ રંગેચંગે ઉજવી રહ્યા છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના આંગણે રંગોળી બનાવતા હોય છે અને રંગોળીનું પણ અનેરું મહત્વ સમાયેલું છે. ત્યારે આખાયે રાજકોટ શહેરનું આંગણું એટલે રેસકોર્સ. આ રેસકોર્સ રિંગ રોડ ફરતે ચિત્રનગરીના કલાકારો તેમજ રાજકોટની જનતા દ્વારા મહાનગરપાલિકા આયોજિત મેગા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 1000 જેટલા સ્પર્ધકોએ રંગબેરંગી 500 જેટલી રંગોળી બનાવી રિંગ રોડને રંગીન કરી દીધો હતો. રતન ટાટા, દુર્ગા, ગરબા, ડિજિટલ ઈન્ડિયા સહિતની થીમ પર બનેલી રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું. એક જુઓને બીજી ભૂલો તેવી રંગોળી જોઈને લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા.
શહેરનાં મુખ્ય હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર દિવાળી કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આવતીકાલે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગઈકાલે સાંજના 4થી રાત્રિના 12 વાગ્યા સુધી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.