ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ‘ગોંડલ ગણેશ’ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી બાજુ ‘ગોંડલ ગણેશ’ ના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં હતા. અંતે દલિત સમાજની બાઈક રેલી અને મહાસંમેલન શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું.
જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડૉ.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મૂછળીયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને અપશબ્દો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો.