ઓસ્કાર વિજેતા મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરવાનીના પિતા અને ‘બાહુબલી’ અને ‘RRR’ ફેમ એસ.એસ. રાજામૌલીના કાકા શિવ શક્તિ દત્તાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે સોમવારે રાત્રે 9 વાગ્યે હૈદરાબાદ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
શિવ શક્તિ દત્તાએ ‘બાહુબલી’નું ટાઇટલ ટ્રેક અને ‘RRR’ના ગીત લખ્યા છે. તેઓ માત્ર ગીતકાર નહીં પરંતુ લેખક પણ હતા. તેમના નિધનથી સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન થઈ ગઈ છે. એક્ટર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું છે કે, ‘શ્રી શિવ શક્તિ દત્તાના નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયું. તેઓ કળા અને સાહિત્યના સાચા પ્રેમી હતા. તેમના ગીતોમાં સંસ્કૃત અને તેલુગુનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.’
સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીએ લખ્યું, ‘શ્રી શિવ શક્તિ દત્તા એક ચિત્રકાર, સંસ્કૃત ભાષાના વિદ્વાન, લેખક, વાર્તાકાર અને અનેક પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. તેમના નિધનના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેમના આત્માને શાંતિ મળે. હું મારા મિત્ર અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’