રાજકોટનાં પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર મૂકાયા

રાજકોટમાં ઉનાળો શરૂ થતાં મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે પ્રાણીઓ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દીપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. પ્રાણીને ઠંડક મળે તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે તો સાથે પ્રાણીઓનાં શરીરમાં ગરમીની અસર ઓછી થાય તે માટે ORS આપવામાં આવી રહ્યું છે. ફક્ત એટલું જ નહીં શાકાહારી માંસાહારી પ્રાણીઓ માટે આઇસ કેન્ડી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાને લઈ વિવિધ પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, હાલમાં ઝુ ખાતે જુદી-જુદી 62 પ્રજાતિઓના કુલ 545 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને આ તમામ પ્રાણીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન સખત તાપ અને ગરમીમાં પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *