ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કામગીરીને ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના આશય સાથે ગુરુવારના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક ખાતે જૂના વોંકળાને દૂર કરી નવા વોંકળા બનાવવાની કામગીરી અને ગવલીવાડ વોંકળામાં જૂનું કલવર્ટ દૂર કરી નવું કલવર્ટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે વોંકળામાં ઉતરીને કામગીરીનું નિરીક્ષણ કરતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. કમિશનરે ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે રૂ.6.60 કરોડના ખર્ચે વોંકળાને રિનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં 80 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે ચોમાસાને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્સ કલવર્ટનો રાપ્ટ સ્લેબ તથા અન્ય આનુસંગિક કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ગવલીવાડ વોંકળા ખાતે રૂ.40 લાખના ખર્ચે વોંકળા પરનો જૂનો જર્જરિત સ્લેબ કલવર્ટ દૂર કરી નવો સ્લેબ કલવર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ચોમાસું બેસે તે પૂર્વે પૂરી કરવા તંત્રે કવાયત આદરી છે.