રાજકોટમાં જોરદાર વરસાદનો રાઉન્ડ આવે તે પહેલાં જ અનેક રાજમાર્ગો, રહેણાક વિસ્તારો, સોસાયટીઓ, શેરીઓ સહિતના ભાગોમાં નવા અને જૂના માર્ગોનું ધોવાણ થતાં અને ડીઆઇ સહિતના પાઇપલાઇન તથા અન્ય કામોને કારણે રસ્તાઓના ખોદકામ બાદ મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓનું લેવલિંગ ન થતાં બુધવારે આ પ્રશ્ને સ્ટેન્ડિંગમાં બઘડાટી બોલી હતી.
ચેરમેને ત્રણેય ડેપ્યુટી કમિશનરો સહિતના અધિકારીઓને ઓફિસમાં બેસી રહેવાના બદલે ફિલ્ડમાં જવા આદેશ કર્યો હતો જેથી ગુરુવારે વરસતા વરસાદે અધિકારીઓ જાહેર માર્ગો પર જોવા મળ્યા હતા અને પેચવર્ક સહિતની કામગીરી કરાવતા નજરે પડ્યા હતા.
સ્ટેન્ડિંગની સૂચના બાદ ડેપ્યુટી કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી ઇજનેર કુંતેશ મહેતા, અતુલ રાવલ, શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક મેટલિંગ અને રોડ લેવલિંગનું કામ કરાવ્યું હતું. પોપટપરા નાળા સહિતના વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરાવી હતી.