રાજય સરકારના મહેસુલ વિભાગના સચીવ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે ઉઘડતી કચેરીએ જ કલેકટર કોન્ફરન્સ આયોજિત કરી હતી. જેમાં રાજકોટ સહિત રાજયના 33 જિલ્લાના કલેકટર, અધિક કલેકટર જોડાયા હતા. જેમાં જિલ્લા વાઇઝ મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં 2,100થી વધુ ધાર્મિક દબાણો હોવાનું સામે આવ્યુ છે. જે દબાણો મહેસૂલ વિભાગના આદેશથી દૂર કરવામા આવશે. આ ઉપરાંત બિનખેતીની ફાઈલોનો નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગની આજની આ કલેકટર કોન્ફરન્સ દરમિયાન દબાણો હટાવવા તેમજ બિનખેતીની ફાઈલોનો નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉની કોન્ફરન્સમાં પણ મહેસુલ વિભાગ દ્વારા ધાર્મિક દબાણો હટાવવા તાકીદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેર-જિલ્લામાં 2,100થી વધુ ધાર્મિક દબાણો ખડકાયા હોવાનું અગાઉના સર્વે રિપોર્ટમાં ખુલ્યું છે.