હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારને આગ્રહ કરવામાં આવ્યો છે, કારણ કે પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રાજ્યના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજ્યના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે. આ ઉપરાંત ગુજરાતી ભારતના દક્ષિણી છેડા સુધી એક ઓફશોર ટ્રફની રચના થઇ છે, જેને કારણે આજે (5 જુલાઈ) રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે તો ક્યાક ભારે વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસું થોડા અંશે હળવું થાય એવી શક્યતા છે. તદુપરાંત રવિવારે (રથયાત્રાના દિવસે) અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ મેઘગર્જના પણ થવાની સંભાવના છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.