રાજકોટ મનપાનું જનરલ બોર્ડ આજે હોબાળા બોર્ડ બન્યું હતું. જેમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે પ્લેકાર્ડ બતાવી કોંગ્રેસનાં નગરસેવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ સામે પગલાં ક્યારે? જેવા સવાલો ઉઠાવી કોંગી નગર સેવક વશરામ સાગઠિયાએ અધ્યક્ષને એકને એક કેસેટ વગાડો છો, તેમ કહેતા ભાજપ કોર્પોરેટરોએ પણ વિરોધ કર્યો હતો. જેને લઈને સામસામે હોબાળો થતા જનરલ બોર્ડ હોબાળા બોર્ડ બન્યું હતું. જનરલ બોર્ડમાં પ્લેકાર્ડ બતાવી વિરોધ કરવા બદલ કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈને બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટનાં TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આવતીકાલે સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઈ છે. જેમાં અગ્નિકાંડ બાદ સૌપ્રથમવાર ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવ્યા હતા. કોંગ્રેસે ગેમ ઝોનનાં મુદ્દે ચર્ચા કરવાનું કહી પ્લેકાર્ડ બતાવી વિરોધ કરતા હોબાળો થયો હતો. આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ સંદર્ભે મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ આ જનરલ બોર્ડમાં અભિનંદન ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જ્યારે જનરલ બોર્ડના અંતમાં શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.