ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. વાયુસેનાએ તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. મળતી માહિતી મુજબ, વાયુસેનાના દસોલ્ટ રાફેલ જેટ્સે SCALP-EG મિસાઇલની મદદથી આ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.
SCALP-EG (સ્ટોર્મ શેડો)એ લાંબા અંતરની હવામાં છોડવામાં આવતી ક્રુઝ મિસાઇલ છે. તે મૂળરૂપે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી હતી, અને ભારતે તેને દસોલ્ટ રાફેલ ફાઇટર જેટ સાથે ખરીદી હતી.
તેના એરોડાયનેમિક અને સપાટ આકારને કારણે, તેનો રડાર ક્રોસ સેક્શન ખૂબ નાનો છે. આ કારણે, દુશ્મનના રડાર તેને શોધી શકતા નથી. તેનું બાહ્ય શેલ પણ એક ખાસ સામગ્રીથી બનેલું છે જે રડાર તરંગોને શોષી લે છે. તેની ઇન્ફ્રારેડ સિગ્નેચર પણ ખૂબ ઓછી છે, જેનો અર્થ એ છે કે દુશ્મનો ઇન્ફ્રારેડની મદદથી પણ તેને શોધી શકતા નથી. આ ખાસિયતોને કારણે દુશ્મનને ખબર પડતી નથી જ્યાં સુધી મિસાઈલ લક્ષ્યની ખૂબ નજીક ન પહોંચે.