રાજકોટના TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમા 28 માનવ શરીર હોમાયા છે. ત્યારે આ ઘટનાને 78 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે. છતાં આ 28 લોકોમાંથી ઘણાં પરિવારજનોને પોતાનાં સ્વજનોના મૃતદેહ મળ્યા નથી. બીજી તરફ ગઇકાલે FSLની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તો તેમાં માત્ર એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. એટલે તેના ઉપરથી જ જાણી શકાય છે કે આ ઘટના કેટલી ભયાનક હશે. કારણ કે માનવ શરીરના કંકાલની સાથે માત્ર 5 જ વસ્તુ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં સતત 24 કલાક સુધી ફાયર વિભાગના માણસો કામગીરી કરતા નજરે પડ્યા હતા અને સતત દોઢ કલાક 1 લાખ 80 હજાર લિટર જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમની પ્રાયોરિટી એ પણ હતી કે એક પણ મૃતદેહ છૂટી ન જાય અને એક પણ અવશેષ બાકી ન રહે. જેથી કોઈ પણના સ્વજનના યોગ્ય DNA કરાવી શકાય.
રાજકોટમાં શનિવારની સાંજે કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં મોજમસ્તીની સંભળાતી ચિચિયારીઓ આ વખતે બચાવ બચાવની સંભળાતી હતી. યુવાનો, બાળકો પોતાના મિત્રો તેમજ પરિવાર સાથે વિકેન્ડ અને વેકેશનની મજા માણવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈને પણ ખ્યાલ ન હતો કે તેઓની આ કદાચ આખરી મજા હશે. સાંજના 5.34 વાગ્યે વેલ્ડિંગનો તણખો નીચે પડતા આગ લાગી હતી અને 5થી 7 મિનિટના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. ત્યાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી અને નાસભાગ થવા લાગી હતી.