રાજકોટથી કાશ્મીર ફરવા માટે કુલ 13 યાત્રિકો ગયા હતા જેમાં 9 લોકો પરત ફરી ગયા છે. જ્યારે હવે ચાર લોકો જ પરત ફરવાના બાકી છે. તેઓ હાલ શ્રીનગરમાં રોકાયા છે અને એક-બે દિવસમાં ફલાઈટની ટિકિટ મળ્યા બાદ તેઓ પરત ફરશે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ શરૂ કરાયેલા કંટ્રોલરૂમના અધિકારીએ જણાવ્યું છે. જે યાત્રિકો પરત ફર્યા છે તેઓ જમ્મુ અને શ્રીનગરથી અમદાવાદ સુધીની ફલાઇટમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ રાજકોટ પરત ફર્યા હતા. ફરવા ગયેલા યાત્રિકો પરત ફર્યા ત્યારે તેના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓએ હાશકારો અનુભવ્યો હતો અને લાગણીસભર દશ્યો સર્જાયા હતા.
કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ અને ત્યારબાદ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના બનાવ પછી રાજકોટમાં રહેતા નિરવ આચાર્ય અને તેના પરિવારજનો ફસાઈ ગયા હતા. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફલાઈટસ હાઉસફુલ હોવાથી નિરવભાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેઓની તમામ માહિતી મેળવવામાં આવી હતી પછી સમગ્ર વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ હતી. તેઓ શ્રીનગરથી દિલ્હી ફલાઇટમાં આવ્યા અને ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી તેઓ રાજકોટ પરત ફર્યા હતા.