રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 145 જેટલી આઈટીઆઈમાં એપ્રિલથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની આઈટીઆઈમાં કુલ 39 હજાર જેટલી બેઠકોમાંથી 18,500 જેટલી બેઠકો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાકીની બેઠકો હજુ ખાલી હોવાની સ્થિતિ છે. જો કે પ્રવેશ પ્રક્રિયા હજુ આગામી તારીખ 30 જૂન સુધી ચાલવાની છે. ધોરણ-10માં ઊંચા રિઝલ્ટના કારણે વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ અથવા ડિપ્લોમા તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેથી જ આઈટીઆઈમાં વિદ્યાર્થીઓના એડમિશનનો રસ ઘટતો જાય છે.
આઈટીઆઈના નિષ્ણાત જણાવે છે કે, અહીંથી રોજગારી અને સ્વરોજગારી એમ બે પ્રકારે નોકરી મળી શકે તેમ છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, પ્લમ્બર અને કાર્પેન્ટરના કોર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે તેઓ પોતે જ પોતાની રીતે સ્વરોજગારી મેળવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે, બોર્ડના પરિણામો ઊંચા આવતા હવે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા કોર્સ તરફ વળ્યા છે. જેને કારણે આઈટીઆઈમાં એડમિશન માટેનો પ્રવાહ ઘટતો જાય છે.
ઇલેક્ટ્રિકલ વ્હિકલ-સોલાર ટેક્નિશિયન નવા બે કોર્સ શરૂ આ વખતે ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને સોલાર ટેક્નિશિયન એમ નવા બે કોર્સ શરૂ કરવામાં આવેલા છે. જે માટે જિલ્લા મુજબ આવેલી ડિમાન્ડના આધારે 468 બેઠક ફાળવવામાં આવી છે. જે તમામ વિગતો itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જે વેબ સાઇટ પરથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. હાલ ઘરે ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માંગને આધારિત સોલાર સંબંધિત કોર્સ થઈ રહ્યા છે.