મહાઅષ્ટમીની રાતે સગા બે ભાઈની હત્યા

ગુજરાતમાં નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને 4થી 5 શખસે છરીથી રહેંસી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 3 શખસની અટકાયત કરી લીધી છે.

કોસાડ આવાસમાં 4થી 5 શખસે છરીના ઘા ઝીંકી રાહુલ અને પ્રવીણ નામના બે સગા ભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ આ શખસો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે 3 શખસની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને ભાઈના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પીએમ ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો ઊમટી પડ્યાં છે.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારા બન્ને દીકરા ગરબા રમતા હતા, ત્યારે ગાડીને સાઈડમાં હટાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો પતી ગયા બાદ એ લોકો ચાલ્યા ગયા હતા. પરંતુ અડધી કલાક બાદ તે લોકો પાછા આવ્યા હતા અને અંધારામાં લઈ જઈ મારા નાના દીકરાને પેટમાં છરી મારી દીધી હતી. આથી મારો બીજો દીકરો તેને બચાવવા ભાગતો ગયો હતો. પરંતુ તેને પણ પેટમાં છરી મારી ભાગી ગયા હતા, ચારથી પાંચ શખસો હતો. માત્ર ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતમાં હત્યા કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *