રાજકોટ સહિત રાજ્યભરમાં બુધવારથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં તા.26ને બુધવારે પ્રથમ દિવસે મંત્રી રાઘવજી પટેલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ન્યારા પ્રાથમિક શાળા, મોવૈયા તા.શાળા, મોવૈયા કન્યા તા.શાળા, સરદાર પટેલ વિદ્યાલય અને કન્યા વિદ્યાલય ખામટા ખાતે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ તાલુકાની સાતડા પ્રા.શાળા, કુચિયાદળ પ્રા.શાળા, બેટી(રામપરા) પ્રા.શાળા તેમજ જિલ્લા કક્ષાના 74 રૂટના અધિકારીઓ/પદાધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા હતા. રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે બાલવાટિકામાં 4875 અને ધોરણ-1માં 1901 સહિત કુલ 6776 બાળકોને પ્રવેશ અપાયો હતો.
મહાનગરોથી લઈ ગામડાંઓ સુધીની શાળાઓમાં બુધવારથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. પા..પા..પગલી ચાલી શાળાએ આવ્યા બાદ નાના બાળકોએ પોતાના ભણતરની શરૂઆત કરી છે. બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું હતું. શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલબેગ, વોટરબેગ, કલર, કંપાસ સહિતની શૈક્ષણિક વસ્તુઓની કિટ આપવામાં આવી હતી. પ્રવેશ મેળવેલા બાળકોને કુમકુમ તિલક કરી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષમાં વિશેષ શૈક્ષણિક સિદ્ધિ મેળવેલા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વધુ હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવમાં મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટ અને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.