રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 19મીએ મળનાર છે જેમાં મુખ્ય છ એજન્ડા મંજૂરી અર્થે મુકાયા છે. જેમાં એક દરખાસ્ત બહુમાળી ભવન પાસેના ચોકને ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ કરવા તેમજ ત્યાં પ્રતિમા મૂકવાની દરખાસ્ત છે. બોર્ડમાં દરખાસ્તોને મંજૂરી અપાશે તે પહેલા પ્રશ્નકાળ એક કલાકનો રહેશે. પહેલો પ્રશ્ન ભાજપના જ કોર્પોરેટરનો હોવાથી તે એકમાં જ કલાક નીકળી જાય તેવો પ્રયાસ રહેશે. આ પ્રશ્ન અમૃત યોજના હેઠળ જે કામ થઈ રહ્યા છે તેને લગત છે એટલે સરકારી ગ્રાન્ટના આંકડા અને નવા કામના ટેન્ડર સહિતની ચર્ચાઓમાં જ સમય વીતી જશે. બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈએ બિશપ હાઉસ પીપીપીને લગત પ્રશ્ન પૂછ્યો છે જેમાં તેઓએ પીપીપી હેઠળ અપાયેલા પ્લોટ કે જ્યાં ડો.આંબેડકરની પ્રતિમા હતી તે આસપાસ કેટલા મકાન હતા અને કેટલા લોકો રહેતા હતા તેની વિગત માગી છે.
આ કૌભાંડમાં સરકારની 1500 કરોડની જમીન સસ્તા ભાવે આપી દેવાઈ હતી જેમાં તત્કાલીન ભાજપના હોદ્દેદારોની ભૂંડી ભૂમિકા હતી. તપાસ શરૂ કરવામાં આવી હતી પણ બાદમાં ફીંડલું વાળી દેવાયું હતું. જ્યારે વશરામ સાગઠિયાએ પ્રશ્ન પૂછ્યો છે કે, હાલ સફાઈ કામદારની ભરતીમાં શરત રાખવામાં આવી છે કે જેના માતા-પિતા કે દાદા-દાદી અગાઉ સફાઈ કામદાર રહ્યા હોય તે જ લાયક ઉમેદવાર ગણાશે. આ શરત ક્યા આધારે રાખવામાં આવી છે તે ઠરાવ માગવામાં આવ્યો છે.